1. ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી કેમ ખેંચવામાં આવે છે?
₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. તે ઉદ્દેશ્ય પૂરો થયા બાદ અને અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાંની સાથે, ₹2,000ની બેંકનોટનું મુદ્રણ 2018-19માં બંધ કરી દેવામાં આવ્યું હતું. મોટાભાગની ₹2,000ની બેંકનોટ માર્ચ, 2017 પૂર્વે જારી કરી દેવામાં આવી હતી અને તેમની 4-5 વર્ષની અંદાજિત આયુ મર્યાદા હવે પૂરી થવા આવી છે. એમ પણ જોવામાં આવ્યું છે કે વ્યવહારો કરવા માટે સામાન્ય રીતે આ મૂલ્યવર્ગની નોટનો ઉપયોગ કરવામાં નથી આવતો. વધુમાં, જાહેર જનતાની ચલણની જરૂરિયાતને પૂરી કરવા માટે અન્ય મૂલ્યવર્ગની બેંકનોટોની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ થતી રહી છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેતા અને ભારતીય રિઝર્વ બેંકની “સ્વચ્છ નોટ નીતિ” ને અનુસરતા ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટને ચલણમાંથી પાછી ખેંચવાનું નક્કી કરવામાં આવ્યું છે.
2. “સ્વચ્છ નોટ નીતિ” શું છે?
જનસામાન્યને સારી ગુણવત્તાવાળી બેંકનોટો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈ દ્વારા “સ્વચ્છ નોટ નીતિ” અપનાવવામાં આવી છે.
3. શું ₹2,000ની બેંકનોટનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો જારી રહે છે?
હા, ₹2,000ની બેંકનોટ તેનો વૈધ મુદ્રાનો દરજ્જો જાળવી રાખવાનું જારી રાખશે.
4. શું ₹2,000ની બેંકનોટનો ઉપયોગ સામાન્ય વ્યવહારો માટે કરી શકાશે?
હા, જનસામાન્ય તેમના વ્યવહારો કરવા માટે ₹2,000ની બેંકનોટનો ઉપયોગ કરવાનું જારી રાખી શકે છે અને ચૂકવણી (payment) પેટે પણ સ્વીકારી શકે છે. છતાં, તેઓને આ બેંકનોટો 30 સપ્ટેમ્બર, 2023 પહેલા જમા કરાવી દેવા અને / અથવા બદલાવી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
5. જનસામાન્ય પાસે રહેલી ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટનું તેમણે શું કરવું જોઈએ?
જનસામાન્ય બેંકની શાખાઓમાં જઈ તેઓ પાસે રહેલી ₹2,000ની બેંકનોટ જમા કરાવી અને / અથવા બદલાવી શકે છે.
તમામ બેંકોમાં ₹2,000ની બેંકનોટ ખાતામાં જમા કરાવવાની અને બદલાવવાની સુવિધા તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ રહેશે. બેંકનોટ બદલાવવાની સુવિધા આરબીઆઈના 19 પ્રાદેશિક કાર્યાલયો (આરઓ), જ્યાં નિર્ગમ વિભાગ છે, ત્યાં પણ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
6. ₹2,000ની બેંકનોટ ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા છે?
બેંક ખાતાઓમાં મર્યાદા વગર અને પ્રવર્તમાન ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ ધોરણો અને અન્ય લાગૂ પડતી કાનૂની / વિનિયમનકારી જોગવાઈઓના અનુપાલનને આધીન ₹2,000ની બેંકનોટ જમા કરાવી શકાય છે.
7. ₹2,000ની બેંકનોટ બદલાવવા માટેની રકમ પર કોઈ પરિચાલનીય મર્યાદા (operational limit) છે?
જનસામાન્ય ₹2,000ની બેંકનોટ એક વખતે ₹20,000/- ની મર્યાદા સુધી બદલાવી શકે છે.
8. શું ₹2,000ની બેંકનોટ બેંકિંગ પ્રતિનિધિ (Business Correspondents – BC) મારફતે બદલાવી શકાય છે?
હા, ખાતેદાર ₹2,000ની બેંકનોટ બેંકિંગ પ્રતિનિધિ મારફતે એક દિવસની ₹4,000ની મર્યાદા સુધી બદલાવી શકે છે.
9. કઈ તારીખથી બદલાવવાની સુવિધા ઉપલબ્ધ થશે?
બેંકોને પ્રારંભિક વ્યવસ્થા ઊભી કરવા સમય આપવા માટે, જનસામાન્યને બેંકોની શાખાઓ અથવા આરબીઆઈના પ્રાદેશિક કાર્યાલયો પર નોટબદલીની સુવિધાનો લાભ લેવા માટે તારીખ 23 મે, 2023 થી જવા માટે વિનંતી કરવામાં આવે છે.
10. ₹2,000ની બેંકનોટ બેંકોની શાખાઓમાંથી બદલાવવા માટે જે તે બેંકના ગ્રાહક હોવું જરૂરી છે?
ના, બિન-ખાતાધારક પણ ₹2,000ની બેંકનોટ કોઈપણ બેંકની શાખામાં જઈને ₹20,000 ની મર્યાદા સુધી બદલાવી શકે છે.
11. જો કોઈને ₹20,000થી વધુ રોકડની તેના કારોબાર કે અન્ય હેતુ માટે જરૂર હોય તો તેણે શું કરવું?
બેંક ખાતાઓની અંદર મર્યાદા વગર જમા કરાવી શકાય છે. ₹2,000ની બેંકનોટ બેંક ખાતામાં જમા કરાવી શકાય છે અને જમા કરાવેલી ઉક્ત રકમ સામે રોકડની જરૂરિયાત જેટલી રકમ ઉપાડી શકાય છે.
12. નોટબદલીની સુવિધા માટે કોઈ ફી ચૂકવવાની છે?
ના, નોટબદલીની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે.
13. ₹2,000ની બેંકનોટ બદલાવવા તેમજ જમા કરાવવા માટે વરિષ્ઠ નાગરીકો, અપંગ માનવીઓ વિગેરે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે?
₹2,000ની બેંકનોટ જમા કરાવવા અને / અથવા બદલાવવા માટે બેંકમાં આવતા વરિષ્ઠ નાગરીકો તેમજ દિવ્યાંગોને પડતી અગવડ ઘટાડવા અર્થે બેંકોને વ્યવસ્થા કરવા માટે સૂચિત કરવામાં આવી છે.
14. જો કોઈ ₹2,000ની બેંકનોટ તુરંત જમા કરાવી અને / અથવા બદલાવી ન શકે શું થશે?
જનસામાન્ય માટે સમગ્ર પ્રક્રિયા સુગમ અને અનુકૂળ રહે તે માટે ₹2,000ની બેંકનોટ જમા કરાવવા અને / અથવા બદલાવવા માટે ચાર મહિનાથી વધુ જેટલો સમય આપવામાં આવ્યો છે. આથી આપેલા સમયની અંદર તેમની અનુકૂળતાએ આ સુવિધાનો ઉપયોગ કરી લેવા માટે જનસામાન્યને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
15. જો બેંક ₹2,000ની બેંકનોટ જમા લેવાની અને / અથવા બદલી આપવા માટે ના પાડે તો શું થઈ શકે?
સેવામાં ત્રૂટિ અંગની ફરિયાદના નિવારણ માટે, ફરિયાદી / અસંતુષ્ટ ગ્રાહક સૌ પ્રથમ સંબંધિત બેંકનો સંપર્ક કરે. જો બેંક, ફરિયાદ કર્યા બાદ 30 દિવસની અંદર પ્રતિભાવ ન આપે અથવા ફરિયાદીને બેંકે આપેલા જવાબ / નિવારણથી સંતોષ ન થાય તો ફરિયાદી, આરબીઆઈના ફરિયાદ પ્રબંધન પ્રણાલિ પોર્ટલ (Complaint Management System portal - cms.rbi.org.in) પર જઈ રિઝર્વ બેંક – એકીકૃત લોકપાલ યોજના (આરબી-આઈઓએસ), 2021 અંતર્ગત પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે |